શ્રી ભગવાન બોલ્યા :
હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમશઃ પાંચ અધ્યાયોને મારી પાંચ મુખ જાણો, દસ અધ્યાયોને મારી દસ ભુજાઓ, એક અધ્યાયને ઉદર તથા બે અધ્યાયને બંને પગ જાણો. આમ આ અઢાર અધ્યાયોની વાડ્મયી ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ. આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક કે અડધા કે ચતુર્થાંશ શ્લોકનો જ દ૨રોજ અભ્યાસ કરે છે તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે :
જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે તેમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલ પડતી નથી.
સૌ પ્રભુના પુત્ર –
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥
બધાં માનવ પ્રભુનાં બાળકો છે.
માનવશરીરની સાર્થકતા
किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥
સુખરહિત, ક્ષણભંગુર પરંતુ દુર્લભ માનવ શરીરને મેળવીને મારું ભજન કર, અર્થાત્ ભજનનો અધિકાર મનુષ્ય શરીરધારીને છે.
માનવની કેવળ બે જાતિ
द्वौ भूतसर्गो लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवी विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥
માનવ ફક્ત બે પ્રકારના છે : દેવતા અને દાનવ. જેના હૃદયમાં દૈવી સંપત્તિ કાર્ય કરે છે તે દેવતા તથા રાક્ષસી સંપત્તિ કાર્ય કરે છે તે રાક્ષસ. ત્રીજી કોઈ જાતિ દુનિયામાં નથી.
દરેક ઇચ્છા ભગવાન પાસેથી મળે
त्रैविद्या मां सोमपाः पूतपापा
यज्ञैरिष्टवा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्
મને ભજીને લોકો સ્વર્ગ સુધીની ઇચ્છા કરે છે. હું તેમને આપું છું. બધું પ્રભુ પાસેથી મળે છે.
ભગવાનના શરણથી પાપોનો નાશ
अपि चेदसि पापेभ्यः सर्वेभ्य पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि ॥
સંપૂર્ણ પાપીઓથી વધારે પાપ કરવાવાળા પણ જ્ઞાનરૂપી નૌકાથી નિઃસંદેહ પાર ઊતરે છે.
જ્ઞાન
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥
આત્માના આધિપત્યમાં આચરણ, તત્ત્વના અર્થરૂપ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન જ્ઞાન છે અને એનાથી વિપરીત જે કંઈ પણ છે, તે અજ્ઞાન છે. તેથી ભગવાનની પ્રત્યક્ષ જાણકારી તે જ્ઞાન છે.
ભજનનો અધિકાર સૌને –
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥
અત્યંત દુરાચારી પણ મારું ભજન કરવાથી તરત ધર્માત્મા થઈ જાય છે અને હંમેશ રહેતી, શાશ્વત શાન્તિને પ્રાપ્ત કરી લે છે. તેથી ધર્માત્મા હંમેશ ભગવાન પ્રત્યે સમર્પિત છે.
ભગવત્પથમાં બીજનો નાશ નહિ
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥
આ આત્મદર્શનની ક્રિયાનું થોડું આચરણ પણ જન્મમરણના મહાન ભયથી ઉદ્ધાર કરનારું છે.
ભગવાનનો વાસ
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
ભગવાન બધાં ભૂત, પ્રાણીઓનો હૃદયમાં રહે છે.
આરંભથી જ ગીતા આપણું શાસ્ત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણનાં હજારો વર્ષ પછી એમના અનુગામી મહાપુરુષોએ માત્ર ઇશ્વરને જ સત્ય તરીકે જાણ્યા અને તેઓ ગીતાના જ સંદેશવાહકો છે. ઈશ્વર દ્વારા જ લૌકિક તથા પારલૌકિક સુખની કામના ફળે છે. ઈશ્વરનો ડર રાખવો, અન્ય કોઈને ઇશ્વર ન માનવા, આ બધું તો મહાપુરુષોએ એમના ઉપદેશમાં હ્યું, પરંતુ ઈશ્વરીય સાધના, ઈશ્વર સુધીનું અંતર પાર કરવું એ માત્ર ગીતામાં જ સાંગોપાંગ અને ક્રમબદ્ધ રીતે સંકલિત છે! ગીતા દ્વારા સુખ-શાંતિ તો મળે જ છે, પરંતુ ગીતા તો અક્ષય અનામય પદ પણ પ્રાપ્ત કરાવે છે. આ માટે ગીતાની ગૌરવાન્વિત ‘યથાર્થ ગીતા’ વાંચવી રહી.
ગીતા જીવિકા સંગ્રામનું સાધન નથી, પરંતુ જીવન-સંગ્રામમાં શાશ્વત વિજય પ્રાપ્ત થાય તે માટેની વ્યવહારુ તાલીમ છે. આથી જ તે વાસ્તવિક વિજય અપાવનાર યુદ્ધ-ગ્રંથ છે, પરંતુ ગીતાકથિત યુદ્ધ તલવાર, ધનુષ્ય, બાણ, ગદા કે પરશુથી લડાતું ભૌતિક કે સાંસારિક યુદ્ધ નથી અને આવાં યુદ્ધોમાં કોઈ શાશ્વત વિજય પણ હોતો નથી. આ તો સત્-અસત્ વૃત્તિઓ વચ્ચેનો સંઘર્ષ છે. અહીં રૂપકાત્મક વર્ણનની પરંપરા અપનાવાઈ છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, વિદ્યા અને અવિદ્યા, પુરાણોમાં દેવ-અસુર સંગ્રામ, મહાકાવ્યોમાં રામ-રાવણ અને કૌરવ-પાંડવો વચ્ચેના સંઘર્ષ જેવા સંઘર્ષો ને ગીતામાં ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, દૈવી સંપદ્ તથા આસુરી સંપ, સજાતીય-વિજાતીય, સદ્ગુણો-દુર્ગુણો વચ્ચેના સંઘર્ષની વાત કરવામાં આવી છે.